વીણેલા મોતી

(1)
જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
ફૂલ ની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો;

છે મુસીબત એટલી જીન્દાદીલી ને દાદ દે
તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.

કોઈના ઈકરાર ને ઈન્કાર પર હસતો રહ્યો
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.

કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં
ના સ્વીકાર્યું સ્થાન, ને પગથાર પર હસતો રહ્યો.

ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી, તેનેય પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.

જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં;
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.

નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ
એ કિનારે જઈ ડૂબી, હું ધાર પર હસતો રહ્યો.

ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો.

                                                           - જમિયત પંડ્યા
(2)
ઓસરીના દીવા પર આપને ખુમારી છે,
મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે.
સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું
મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.
શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે
દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે
જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે
એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે
જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.
    
                                                              - ખલીલ ધનતેજવી
(3)
આંખ મીચું તો મને ઈશ્વર મળે ;
સહેજ ખોલું તો બધે પથ્થર મળે .
                                                      - અનામી 

(4)
આંસુ ના પણ પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે ?
કહ્યા વિના પણ સઘળું સમજે એવા સંબંધ ક્યાં છે ?  
                                                                               - અનામી 



                                  

No comments:

Post a Comment